pyarikavita

my fav. gujarati kavita, gazal

Thursday, August 02, 2012

હું

અડધી રાતે
ઊંઘમાંથી સફાળા જાગીને મેં જોયું,
તો પલંગમાં હું ક્યાંય નહોતી.
ન ચાદરની કરચલીમાં,
ન નાઇટલેમ્પના આથમતા ઉજાસમાં.
હેલ્થક્લબ જતા પતિ માટે
ટેબલ પર કાઢી રાખેલા દૂધના ગ્લાસમાં પણ નહીં.
ચાની તપેલીમાંથી ઊઠતી ગરમ વરાળમાં પણ નહીં
અને ગરમાગરમ બટેટાપૌંઆમાંય નહીં.
બધાએ વાંચી નાંખેલા અખબારમાં
ક્યાંક હું ચોળાયેલી પડી હોઈશ એમ માનીને
હું પાનેપાનાં ઉથલાવી ગઈ પણ…
દીકરાનું ટિફિન પણ ખોલ્યું
ને એના દફ્તરમાં કાળજીપૂર્વક ગોઠવેલી
એક-એક ચોપડીઓની વચ્ચે પણ હું ફરી આવી…
ઓફિસ જતાં પહેલાં તૈયાર કરેલા લંચમાં
અને ઓફિસ-અવર્સના એક-એક પડળ પણ
બાજનજરે ફંફોસી જોયા.
કામવાળીઓની અવારનવાર ગેરહાજરીનો બુરખો ઓઢીને
મેં આખા દિવસના કાચમાં પણ જોયું.
હોમવર્કના પાનાંઓના અક્ષરે-અક્ષર ઉતરડી જોયા,
કદાચ હું ત્યાં મળી જાઉં મને.
કદાચ હું રાતના ઢાંકા-ઢૂબાની ગલીઓમાં તો ભૂલી નથી પડી ને?
બનવાજોગ છે
કે એ લેપટોપ મૂકીને પાસે આવે
એ વિચારે લંબાતી જતી રાતના બોરિંગ બગાસામાં હું ક્યાંક ઊડી ગઈ હોઉં.
કે મગરના જડબાં જેવા ખેંચાયેલા દિવસના
તૂટતા શરીર પર
લીલું-લીસું ચુંથાતી રાતની ચાદરમાં તો હું નથી ને?
કે પછી ઊંડા પાણીની શાર્કના દાંતમાંથી છટકવા
આખો દિવસ ફોરવર્ડ કર્યે રાખેલા મેસેજિસ સાથે
ક્યાંક હું પોતે જ તો ફોરવર્ડ નથી થઈ ગઈને?
હું ત્યાંય નથી….
હું ક્યાંય નથી ?

0 Comments:

Post a Comment

<< Home