pyarikavita

my fav. gujarati kavita, gazal

Saturday, December 12, 2009

દિલ પુછે છે મારું

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે,
દિવાળી હોય કે હોળી, બધુ ઓફિસમાં જ ઉજવાય છે.
આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે,
લગ્નની મળે કંકોત્રી, ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

પાંચ આંકડાના પગાર છે, પણ પોતાના માટે પાંચ મિનીટ પણ ક્યાં વપરાય છે,
પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ છે, પણ ક્લાઈન્ટનો કોલ ક્યાં કપાય છે.
ફોનબુક ભરી છે મિત્રોથી, પણ કોઈનાયે ઘરે ક્યાં જવાય છે,
હવે તો ઘરનાં પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

કોઇને ખબર નથી, આ રસ્તો ક્યાં જાય છે,
થાકેલાં છે બધા છતાં, લોકો ચાલતાં જ જાય છે.
કોઇકને સામે રૂપીયા, તો કોઇકને ડોલર દેખાય છે,
તમેજ કહો મિત્રો, શું આને જ જીંદગી કહેવાય છે?
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

બદલતા આ પ્રવાહમાં, આપણા સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પૂછશે, સંસ્કૃતિ કોને કહેવાય છે.
એકવાર તો દિલને સાંભળો, બાકી મનતો કાયમ મુંઝાય છે,
ચાલો જલ્દી નિણૅય લઇએ, મને હજુંય સમય બાકી દેખાય છે.
દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે



''ફરી ક્યારેક''


ઘણીયે વાત બાકી છે પછી કરશું ફરી ક્યારેક

મજાનું મૌન છે, શબ્દોમાં ઓગળશું, ફરી ક્યારેક...

બધાયે પાપ, પુણ્યોને મૂકીને મળ મને હમણાં,

જનમના લેખાંજોખાંને અનુસરશું ફરી ક્યારેક...

હજુ તો હમણાં આવેલું આંસુ છે ભલા માણસ,

ડૂમાનો તરજૂમો કરશું અને રડશું ફરી ક્યારેક...

નિરસ જીવનની આ લાંબી હકીકત આટલીક જ છે,

ઉતાવળમાં કહી દીધું તને મળશું ફરી ક્યારેક...

અવસ્થા સૌ પીડાના ટાંકણાની ભાત જેવી છે,

જરૂર પડશે તો એને પણ અનુભવશું ફરી ક્યારેક...


"નજરો આભ સુધી ગઇ."

સ્મરણમાં કોઇની ભીનાશ મારા શ્વાસ સુધી ગઇ,

પછી એ સહેજ જો આગળ વધી તો આગ સુધી ગઇ.

અચાનક જો મળ્યો વર્ષો પુરાણો મિત્ર રસ્તામાં,

તો, વાતો છેક બચપણમાં ભણેલા પાઠ સુધી ગઇ.

ફળિયે ડાળ મ્હોરીને જરા નેવે અડી ગઇ તો,

તરત ઘરમાંથી દોડીને કુહાડી ઝાડ સુધી ગઇ.

પહેલાં માણસો સૌ નીચું જોઇ ચાલતા’તા અહીં,

પછી જો પંખી ઊડતાં જોયું તો નજરો આભ સુધી ગઇ.

હૃદયનું બીજું પૂછો નામ તો બસ સ્ટેન્ડ છે મિત્રો,

તપાસો બસ કઇ, ક્યારે ને કોના ગામ સુધી ગઇ......