ગુજરાતીમાં
બાળક પહેલો અક્ષર બોલે- ગુજરાતીમાં
માનાં મીઠ્ઠાં હાલરડાંની વાણી સુણતાં ચડતું ઝોલે- ગુજરાતીમાં
કોયલ કૂ કૂ ગુજરાતીમાં
ચકલી ચીં ચીં ગુજરાતીમાં
લીલો લીલો પોપટ સીતારામ બોલતો ગુજરાતીમાં
કાગનો કાળો ડગલો ચમકે ગુજરાતીમાં
કા કા બોલ્યો ગુજરાતીમાં
ઠાગાઠૈયાં કરતો કેવાં ગુજરાતીમાં !
બાર ગાઉએ બોલી બદલે ગુજરાતીમાં
મમ મમ આપો ગુજરાતીમાં
ભૂ પીવું છે ગુજરાતીમાં
દૂધ્ધું પીવું ગુજરાતીમાં
પિકોકને તો મોતી ચણંતો મોર કહે છે ગુજરાતીમાં
મૂન છે ને તે ચાંદામામા ગુજરાતીમાં
સન છે ને તે સૂરજદાદા ગુજરાતીમાં
કાઉ એ કેવળ કાઉ નથી એ ગૌમાતા છે ગુજરાતીમાં
ગાંધી તો ગાંધીબાપુ છે ગુજરાતીમાં
ક્રિશ નથી એ કામણગારો કાનુડો છે ગુજરાતીમાં
ગુજજુ તો ગુર્જરભાષી છે ગુજરાતીમાં
બેબી તો વ્હાલો દિક્કો છે ગુજરાતીમાં
બકરીબેન તો બેં બેં બોલે ગુજરાતીમાં
હોંચી હોંચી કોણ હરખતું ગુજરાતીમાં
હૂપ હૂપાહૂપ કોણ કૂદતું ગુજરાતીમાં
જગત જરા લાગે છે સહેલું ગુજરાતીમાં
દાદીમા તો કહે વારતા ગુજરાતીમાં
ભાભો છે ને ઢોર ચારતા ગુજરાતીમાં
કોઠી પડી’તી આડી રે ભાઈ ગુજરાતીમાં
છોકરે રાડ પાડી રે ભાઈ ગુજરાતીમાં
એક બિલાડી જાડી રે ભાઈ ગુજરાતીમાં
પાછી પહેરે સાડી રે ભાઈ ગુજરાતીમાં
એક દલો તરવાડી રે ભાઈ ગુજરાતીમાં
એક ભૂવાની વાડી રે ભાઈ ગુજરાતીમાં
મંદિર વિશ્વ રૂપાળું રે ભાઈ ગુજરાતીમાં
નહીં એને કંઈ તાળું રે ભાઈ ગુજરાતીમાં
સકલ વિશ્વને અડકો રે ભાઈ ગુજરાતીમાં
રમીએ અડકો દડકો રે ભાઈ ગુજરાતીમાં
અધમધ રાતે નિહારિકાઓ આભ વચાળે ગરબી લેતી ગુજરાતીમાં
ઘૂમતા ઘૂમતા એકમેકને તાળી દેતી ગુજરાતીમાં
વિરાટનો હિંડોળો ઝાકમઝોળ ઝૂલે ગુજરાતીમાં
કોક કવિને ગાન દિશાઓ સઘળી ખૂલે ગુજરાતીમાં
શ્વાસ નિરંતર સોહમ્ સોહમ્ ગુજરાતીમાં
કોણ પૂછતું કોહમ્ કોહમ્ ગુજરાતીમાં
ઈન્ગ્લિશ, જર્મન, ફ્રેન્ચ, સ્વાહિલી સટ સટાસટ સરસ મજાનું બોલી દઈએ ગુજરાતીમાં
કોઈ પણ હો વેશ ગમે તે દેશ અમારું હૈયું ધબકે ગુજરાતીમાં