હવે સમજાયું
રાધાએ સાડીને કપબર્ડમાં મૂકી
……. ને પહેરવા માંડ્યું છે હવે પેન્ટ
……. હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.
બિચારો શ્યામ ઘણો કન્ફ્યુઝ થયો છે
……. એને રાધાની લાગ્યા કરે બીક
કે વાંસળીના સૂરથી ન રાધા રોકાય
……. એને વાંસળીથી આવે છે છીંક
રાધા તો પ્લાસ્ટિકનાં ફૂલ ગૂંથે કેશમાં
……. ને ઉપર લગાવે છે સેન્ટ
……. હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.
રાધા કહે શ્યામ તમે માખણનાં બદલામાં
……. ચોરી લાવો હીરાનો હાર
વળી ગાય ઉપર બેસવાનું ફાવે નહીં શ્યામ
……. તમે લઈ આવો મારુતિકાર
રે’વાને ફલેટ મારે જોશે ઓ શ્યામ
……. મને ફાવે નહીં તારો આ ટેન્ટ
……. હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.
વૃંદાવને શ્યામ મને મળવું ગમે નહીં
……. તું મળવાને હોટલમાં આવ
મારી સહેલીઓને ઈમ્પ્રેસ કરવાને
……. તું હાથોમાં સેલ્યુલર લાવ
રાધા તો ઠીક ઓલી ગોપીઓય આજકાલ
……. શ્યામની કરે છે કોમેન્ટ
……. હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ.